આપણે શા માટે કંઇક કરીએ છીએ અથવા નથી કરતાં?




આપણે શા માટે અમુક કામ કરીએ છીએ અને અમુક નથી કરતા? 

મનનું 'રિમોટ કંટ્રોલ': પેઈન અને પ્લેઝર

હું NLP શીખ્યો અને સતત જીવનમાં એનો ઉપયોગ કરતો જાઉ છું સાથે મારા સંપર્કના લોકોને પણ આ જ્ઞાનનો લાભ મળે તે હેતુથી સેમિનાર અને બ્લોગ લેખન દ્વારા વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકું અને જીવનને વધુ શ્રેષ્ઠ રીતે જીવી શકાય તે માટે અલગ અલગ માધ્યમો દ્વારા આ જ્ઞાનની વહેંચણી - લહાણી કરવાનું મને ગમે છે. 

મને ઘણીવાર વિચાર આવે કે આપણે શા માટે અમુક કામ કરીએ છીએ? આપણે થાકેલા હોય, નિરાશ હોય,દુ:ખમાં હોય તો પણ અમુક કામ કેમ નથી કરતાં ? એની પાછળ એવું કયુ વિજ્ઞાન જવાબદાર છે? કે જેથી લોકોને વ્યસનની લત લાગી જાય. લોકો મનથી અને તનથી સ્વસ્થ હોય તો પણ પોતાના જીવન સંબંધી - હેલ્થ,સંબંધો,પૈસા,કરિયર જેવી  અગત્યની બાબતોમાં પણ એક્શન લેતા નથી. 

શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણને ખબર હોય છે કે કયું કામ આપણા માટે સારું છે, છતાં આપણે તે નથી કરી શકતા? અને જે નુકસાનકારક છે, તે કરવા માટે મન વારંવાર લલચાય છે?

આ કોઈ આળસ નથી, પણ આપણા મનનું એક ખાસ વિજ્ઞાન છે. NLP (Neuro-Linguistic Programming) મુજબ, માણસનું આખું જીવન માત્ર બે જ ધરી પર ફરે છે: પેઈન (પીડા/દુઃખ) અને પ્લેઝર (આનંદ/સુખ).

આપણું મન હંમેશા એવી વસ્તુઓ શોધે છે જે તેને 'પ્લેઝર' આપે અને એવી વસ્તુઓથી દૂર ભાગે છે જે તેને 'પેઈન' આપે. ચાલો જોઈએ કે આ સિદ્ધાંત આપણા જીવનના મહત્વના પાસાઓ પર કેવી રીતે અસર કરે છે.

1 . પરીક્ષાની તૈયારી અને મનની રમત (Procrastination)

ઘણીવાર મને વિદ્યાર્થીઓ વારંવાર પૂછતા હોય છે, અમને ખબર છે કે પરીક્ષાઓ નજીક છે અથવા આજે વાંચીએ નહી તો કાલે પસ્તાવો થશે વગેરે "બધું જ ખબર હોવા છતાં વાંચવા કેમ નથી બેસાતું?" વાંચવા બેસીઓ તો માં નથી લાગતું. વારંવાર ડિસ્ટર્બ થવાય છે. અભ્યાસ કરવા બેસીએ ત્યારે જ જાણે બીજા જ ફાલતુ વિચારોનો રાફડો ફાટી નીકળે છે. પુસ્તકનું ખુલ્લુ પેજ એનું એજ રહે છે અને એક કલાક થઈ જાય છે. 

જુઓ મિત્રો એમાં તમારો બિલકુલ વાંક નથી. આજે તમે અંહી જે શિખશો તે તમને સાચી દિશા અને સાચું માર્ગદર્શન આપશે. હવે પછી તમે જે કરવા ધારો છો તે કરી શકશો. અંહી સમજવાની કોશિશ કરો-

  • મનનું ગણિત: જ્યારે કોઈ વિદ્યાર્થી પુસ્તક ખોલે છે, કે પ્રોજેક્ટ કરવાનો થાય ત્યારે  મનને તે 'કંટાળો' અને 'મગજની મહેનત' લાગે છે—આ તેના માટે પેઈન છે. તેની સામે મોબાઈલ જોવો કે મિત્રો સાથે ગપ્પા મારવા એ પ્લેઝર છે.મિત્રો સાથે રમવા જવાનો પ્લાન એક્સાઈટમેન્ટ આપે છે. પિકનીકમાં કે એડવેન્ચર પ્લાનમાં મઝા પડી જાય છે કારણ કે ત્યાં પ્લેઝર ની ફિલિંગ છે. 

  • પરિવર્તન ક્યારે આવે છે? જ્યારે પરીક્ષાના છેલ્લા બે દિવસ બાકી હોય, ત્યારે અચાનક 'નાપાસ થવાનો ડર' અને 'સમાજમાં બદનામીની પીડા' એટલી વધી જાય છે કે તે વાંચવાની મહેનત એ (પીડા) કરતા મોટી બની જાય છે. પરિણામે, વિદ્યાર્થી આખી રાત જાગીને વાંચવા લાગે છે.

2 . કસરત અને સ્વાસ્થ્ય (Health vs. Comfort)

આપણે દર નવા વર્ષે  1 લી જાન્યુઆરીએ સંકલ્પ કરીએ છીએ કે જીમ જઈશું, પણ 5 મી જાન્યુઆરીએ એલાર્મ વાગે ત્યારે મન કહે છે, "હજી થોડીવાર સૂઈ જા, બહુ મજા આવશે." ઊંઘ કોઈને છોડવી ગમતી નથી. 

  • પેઈન: વહેલા ઉઠવું, પરસેવો પાડવો અને સ્નાયુઓનો દુખાવો.

  • પ્લેઝર: ગરમ પથારીમાં સૂઈ રહેવું અને આરામ કરવો.

  • સ્વસ્થ રહેવાના હજારો રસ્તાઓ આ દુનિયામાં છે. જીમ છે ટ્રેનરો છે,ગ્રાઉન્ડ છે,એપ્લિકેશનો છે.. પરંતુ લોકો ઓબેસીટી અને અન્ય સમસ્યાઓથી પીડાય રહ્યા છે. 

  • NLP ટિપ: જો તમે કસરતને 'તંદુરસ્ત શરીર અને આત્મવિશ્વાસ' (Pleasure) સાથે જોડો અને આળસને 'બીમારી અને લાચારી' (Pain) સાથે જોડો, તો તમારું મન તમને પથારીમાંથી આપોઆપ બહાર ફેંકશે.  

જો કે આ ખૂબ જ અઘરું લાગે છે બધાને - લેખક જેમ્સ ક્લિયરની બુક " એટોમીક હેબિટ"માં દર્શાવેલ બાબત પ્રયોગ કરવા જેવી છે. 
  • એક કલાકને બદલે હું આજે માત્ર શૂઝ પહેરીને ચાલવા જ જઈશ કે હું માત્ર  5 મિનિટ જ કસરત કરીશ અને પછી સૂઈ જઈશ એવો કમાન્ડ આપો.  પછી તમે જ્યારે કસરત કરવા માટે ઊઠો કે બહાર જોગિંગ કરવા,ચાલવા જાઓ તો તમને નવી ઊર્જાનો અનુભવ થશે તમે ઓટોમેટિક એક કલાક પૂરો કરીને આવી જશો. 
  • એવી જ રીતે વિધ્યાર્થીઓ નક્કી કરે કે હું માત્ર બે પ્રશ્ન-જવાબ તૈયાર કરીશ અને લખીશ બસ આટલું જ . પછી વધારે નહી કરું. તમે જ્યારે તૈયાર કરશો એટલે તમને કોન્ફિડન્સ આવશે. અને હજુ થોડું વધારે વાંચી લેવાની ઈચ્છા થશે. 

3. વ્યસનનું ચક્ર: મન કેમ લાચાર બને છે?

વ્યસન (જેમ કે સિગારેટ, દારૂ કે અન્ય નશો) એ પેઈન-પ્લેઝર સિદ્ધાંતનું સૌથી મોટું ઉદાહરણ છે.

  • ખોટું જોડાણ: વ્યસની વ્યક્તિના મનમાં એવું ફિટ થઈ ગયું હોય છે કે નશો કરવાથી 'સ્ટ્રેસ દૂર થાય છે' અથવા 'મજા આવે છે' (પ્લેઝર). જ્યારે તે વ્યસન છોડવાનું વિચારે છે, ત્યારે મનને લાગે છે કે તેના વગર તે જીવી શકશે નહીં અથવા તેને બેચેની થશે (પેઈન).

  • ચક્ર તોડવાની રીત: વ્યસન છોડવા માટે તમારે તે નશા સાથે 'મોતનો ડર', 'પરિવારની બરબાદી' અને 'શારીરિક સડો' જેવી ભયાનક પીડાને જોડવી પડે. જ્યાં સુધી નશો કરવાથી થતી પીડા, નશો કરવાથી મળતા આનંદ કરતા વધી નહીં જાય, ત્યાં સુધી માણસ વ્યસન મુક્ત થઈ શકતો નથી.

મે  એવા એક વ્યક્તિની મુલાકાત લીધી હતી જે વર્ષોથી સિગરેટનો બંધાણી હતો દિવસમાં એક પેકેટ પૂરું કરી નાખે. સહેજ પણ કામ આવે,વિચાર કરવો પડે  કે ચિતાનો વિષય  આવે એટલે આ સાહેબ ખિસ્સામાંથી પેકેટ કાઢીને સિગારેટનો કસ લેવાનું શરૂ કરી દે. આ એની રોજની ક્રિયા અને પેટર્ન હતી.  
મે જણાવ્યું કે તમે આટલા શિક્ષિત છો તમે જાણો છો કે આ ટેવ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે છતાં આવું કેમ? 
એમને જણાવ્યું કે એ પોતે આ જાણે છે પણ મારાથી આવું જ થાય છે. મને સહેજ સ્ટ્રેસ આવે એટલે બસ.. આ જ ઉપાય છે. શું કરું? 
મે NLP point of view - Meta Model ના કેટલાક પ્રશ્નો કર્યા ને એમને આ સાયન્સ સમજાવ્યું. ધીરે ધીરે તેમણે આ વ્યસનમાંથી છુટકારો મેળવ્યો. આજે તે ખૂબ જ ખુશ છે અને સિગારેટને અડતા પણ નથી. આ કોઈ ચમત્કાર નથી પણ તમારા મનને નવી ટ્રેનિંગ આપી અને નવી પસંદગી કરી.  

4 . મનના વાયરિંગને કેવી રીતે બદલવું? (The Solution)

જો તમારે સફળ થવું હોય તો તમારે તમારા મનના 'એસોસિએશન' (જોડાણો) બદલવા પડશે:

સારી આદતો સાથે 'પ્લેઝર' જોડો: 
  • વિચારો કે વાંચવાથી તમારું પરિણામ કેવું સરસ આવ્યું છે, લોકો તમને શાબાશી આપી રહ્યા છે.
  •  કસરત કરવાથી તમે કેટલા શક્તિશાળી, હેલ્થી અને ફિટ છો તમારામાં નવી ઉર્જાનો સંચાર  તમને સફળ બનાવી રહી છે. 
  • તે સફળતાના આનંદને અત્યારે અનુભવો.લોકો તમાર ટ્રાન્સફોર્મેશનથી અચંબિત થઈ ગયા છે. 
  • તમે તમારા  ધ્યેયને પ્રાપ્ત કરી લીધું છે અને તમે અવિશ્વસનીય શુભેચ્છાઓ મળી રહી છે.
ખરાબ આદતો સાથે 'ભયાનક પેઈન' જોડો: 
  • જો તમે આજે આ આદત નહીં બદલો, તો આવતા 5-10 વર્ષમાં તમારું જીવન કેટલું નરક બની શકે છે તેની કલ્પના કરો.
  • ખૂબ જ દુ:ખ દાયક પરિસ્થિતિ  વિશે વિચારો - તમારા  સ્નેહીજનો તમને છોડી દે  છે, તમે દવાખાનાના ખાટલા પર એકલા અને ની:સહાય પડ્યા છો. ભગવાન પાસે નવા જીવનની ભીખ માંગો છો પણ ડોકટરોએ જણાવ્યું છે કે હવે શરીરના અંગો પણ સાથ નથી આપી રહ્યા. 
  • તમે એની જેટલી તીવ્રતા અનુભવો એટલું તમારી માં તમને તેનાથી દૂર લઈ જશે એટલે કે તમે એ ખરાબ આદતમાંથી છૂટકારો મેળવશો જ. 

છેલ્લે જતાં જતાં ....

યાદ રાખો, "આપણું મન એક શક્તિશાળી સેવક છે, પણ બહુ ખરાબ માલિક છે."

જો તમે તેને ખુલ્લું છોડી દેશો, તો તે હંમેશા 'ટૂંકા ગાળાના પ્લેઝર' પાછળ દોડશે અને તમારું ભવિષ્ય બગાડશે. પરંતુ જો તમે સમજદારીપૂર્વક 'પેઈન અને પ્લેઝર' નો ઉપયોગ કરશો, તો તમે દુનિયાનું કોઈ પણ લક્ષ્ય મેળવી શકશો.

"તમારી આજની મહેનત (Pain) એ તમારી આવતીકાલની સફળતા (Pleasure) નો પાયો છે."

તમને આ લેખ કેવો લાગ્યો? શું તમે તમારા જીવનમાં પેઈન અને પ્લેઝરના આ ગણિતને ક્યારેય અનુભવ્યું છે? તમારી વાર્તા કોમેન્ટમાં જરૂર શેર કરજો!

નોંધ: આ લેખમાં વપરાયેલા NLP ના સિદ્ધાંતો તમારા જીવનમાં ક્રાંતિકારી ફેરફાર લાવી શકે છે જો તમે તેને રોજિંદા જીવનમાં ઉતારો.

-Shantubhai V. 

NLP Coach, Mind Trainer, & Author 

Founder, Infinite Mindset Academy





ટિપ્પણીઓ

  1. અજ્ઞાત19 જૂન, 2026 08:18 PM

    "સર, આ બ્લોગના સંદર્ભમાં હું મારા જીવનની એક નાની વાર્તા શેર કરું છું. સર, હું જ્યારે અઘરો વિષય વાંચવા બેસતી હતી, ત્યારે મને એ અઘરો વિષય વાંચવામાં કે તૈયાર કરવામાં પેઈનનો અનુભવ થતો હતો. એટલે હું તે અઘરો વિષય બાજુ પર મૂકીને સહેલો વિષય વાંચવા બેસી જતી હતી, અને ત્યારે મને પ્લેઝરનો અનુભવ થતો હતો. પણ જ્યારે મેં મારું ગોલ મારા મનમાં એકદમ ક્લીઅર રીતે નક્કી કરી લીધું, ત્યારે મને સમજાયું કે જો આજે હું અઘરી બાબતોથી દૂર ભાગીશ, તો મારે આગળ જતાં આના કરતા પણ વધારે અઘરી બાબતો સહન કરવી પડશે. એટલે મેં આ પરિસ્થિતિ (વિચાર)ને પેઈન સાથે જોડી દીધી, અને મારું ગોલ નક્કી થયા પછી એ સફળતાની કલ્પના કર્યા બાદ એ ખુશી ભરી પરિસ્થિતિને પ્લેઝર સાથે જોડી દીધી. આપના આ બ્લોગમાંથી મને પેઈન અને પ્લેઝર વિશે વિસ્તારપૂર્વકની સમજૂતી મળી છે, આ બ્લોગ શેર કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર, સર!"

    જવાબ આપોકાઢી નાખો
  2. આ સકારાત્મક ઉર્જા, સાચું માર્ગદર્શન અને જ્ઞાનની વહેંચણી - લહાણી કરાવવા બદલ તમારો આભાર.

    પેઈન અને પ્લેઝર ના ગણિત દ્વારા માનસિકતા અને આદતો બદલવાની તમારી વાત ખૂબ જ સચોટ છે.

    જવાબ આપોકાઢી નાખો

ટિપ્પણી પોસ્ટ કરો

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

યુવાનોમાં વધતાં જતાં હાર્ટ એટેક માટે ખરેખર શું જવાબદાર છે? માત્ર ખોરાક ? આદતો કે બીજું પણ કંઇ છે?

પ્રાર્થના કરવાની સાચી પધ્ધતિ